હું દુર નથી ગયો તારાથી ક્ષણભર

હું દુર નથી ગયો તારાથી ક્ષણભર,
હું યાદોમાં તારી વસેલો છું હરપળ.

હવે ક્યાં છે ડર વિખુટા પડવાનો,
જીવન જશે નદી સમાન ખળખળ.

હરખાય હૈયા બંને નાં કેમ આટલા?
મનનાં ઉમંગોમાં મચી છે સળવળ.

આજે દિલમાં થઇ ગઈ ઘણી ઠંડક,
મનડા તું કેમ મચાવે છે ચળવળ?

ઘણા સંકટો આવ્યા આપણા માર્ગમાં,
મનાવીશું વિજય ઉત્સવ ઝળહળ.

…..પ્રશાંત

દઉં છુ પ્રણયભર્યું હૃદય જાળવજે

દઉં છુ પ્રણયભર્યું હૃદય જાળવજે,
વિકટે સ્મરું તને જો, સમય જાળવજે.

અજીબ સુખદુઃખનો નાતો ,પ્રીતનો સખી,
હથેળીમાં દીધું દિલ, પ્રણય જાળવજે.

મલકે હળવે હળવે ,મારી પ્રીતમાં તું,
પૂછશે જગ સવાલ, વિષય જાળવજે .

ઘડીભર માટે નથી કર્યો મેં હસ્તમેળાપ,
ડર ફંગોળી દે, મુજ અભય જાળવજે.

વરસી રહ્યો અનરાધાર મેઘ બની સદા,
તોફાની નદી બની તું, વિજય જાળવજે.

..પ્રશાંત

મેં તો આંસુ વિખેર્યા રેત પર

મેં તો આંસુ વિખેર્યા રેત પર,
દુનિયા એ દરિયો નામ આપ્યું.

માગી મેં જીવનભર ની ખુશી,
એણે દર્દ ભર્યું ઇનામ આપ્યું.

પીતો હતો હું આંખો નો નશો,
તો પીવા સોમ નું જામ આપ્યું.

પરવા હતી મને બદનામીની,
ઈલ્ઝામ એવું સરેઆમ આપ્યું.

રહેવું હતું દિલ ની દીવારમાં,
તેણે કબર મા મુકામ આપ્યું.

પ્રશાંત સોમાણી

દિલમાં રહેલી વેદના……

દિલમાં રહેલી વેદના સમુંદર થી ક્યાં બુજાવાની,
મારી તો આશા છે તારા પ્રેમ થી અહી ભીંજાવાની.

આમ જ સતત હસતા રમતા વિતાવીએ જીવનપથ,
ભુલ તું કરે કે કરું હું તોય મજા પડે છે ખીજાવાની.

મસ્તી કર કે કર ઘણી ધાંધલ ધમાલ અધવચ્ચે,
ભલે તું કરે ગમે તે, હું ક્યાં આમ પણ છું રીજાવાની.

તું ભલે માર્ગેમાં નાખ હજારો કંટકો કે નાખ પત્થરો,
આકરી પરીક્ષા આપવા ખાતર નથી હું મુંજાવાની.

“પ્રશાંત” તું કરે ભલે ને લાખ કોશિશ દુર કરવાની,
લાગણી તો બંધાણી એક મેકનાં પ્રેમમાં અંજાવાની.

….પ્રશાંત

કિનારે બેસીને કોઈ આમ નાં તરસાવો મને

ગાયિકા :- જીગીશા ખેરડીયા
સ્વરાંકન :- શૌનક પંડ્યા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કિનારે બેસીને કોઈ આમ નાં તરસાવો મને,
આકરી પરીક્ષા લઇ આમ નાં તડપાવો મને.

દેખાડી દીવા સપનાં અંધારે આમ સતત,
એકલતામાં રાખી આમ નાં ભરમાવો મને.

હોય છે વિશ્વાસની સાંકળ સંબંધ માં છતાં,
હથોડીના ઘા મારી આમ નાં અથડાવો મને.

લાગણીનાં શિખરે આપને બેસાડ્યા છતાં,
જોઈએ શું આપને “પ્રશાંત” ફરમાવો મને.

…..પ્રશાંત સોમાણી

આજે મારી કવિતા યાત્રા ને ૧ વર્ષ પૂર્ણ થયું …
જીગીશા ખેરડીયા ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા.

મારી પાસે આવજે.

દિલ જો મારી જેમ તડપે તો પ્રિયે મારી પાસે આવજે,
પખાળીશ ગંગા બની પાવન થવા મારી પાસે આવજે.

આંખો ભરાય આવે જ્યારે તારી સમસ્ત પીડાથી ત્યારે,
સથવારો શોધવા કાજે સદા આમ મારી પાસે આવજે.

ઠોકરો વાગે તને, સાથ ના આપે તને કોઇ જ નામ,
લંબાયેલ હાથ નો સહારો લેવા મારી પાસે આવજે.

સહરાનું રણ સતત જડે તને જો સંબંધો ની આડમાં,
નેહ નીતરતી નજરો કાજે સદા મારી પાસે આવજે.

કુબેર જેવા પ્રેમ નો વૈભવ સદા જાળવી બેઠો છું હું,
ઝંખના હો જો સાચા પ્રણયની તો મારી પાસે આવજે.

પ્રશાંત

આદત પડી ગયી.

મને શરમાઈ જવાની આદત પડી ગયી,
મારા નેણ  જુકાવાની આદત પડી ગયી ,

તમારી ખાતર હું બની સ્વપ્ન સુંદરી અને,
લાગણીમાં બંધાવાની આદત પડી ગયી.

ભલે તમે રહો છો મારા નયનમાં સદાય,
છતાં, દિલમાં ડોકાવાની આદત પડી ગયી.

ઉભા રહો, કહી ને તમને સદા રોકતી હતી,
હવે આંખોમાં રોકાવાની આદત પડી ગયી.

ભલે નામ હો તમારું ઘણું સોહામણું છતાં,
એ “જી” કહી બોલાવાની આદત પડી ગયી.

પ્રશાંત સોમાણી

અહેસાસ માત્ર થી…

પત્થર દિલ પણ કોક ‘દી’ રડી પડે છે,
ફક્ત સ્નેહ ઝરણાના અહેસાસ માત્ર થી.

વ્રુક્ષ માંથી ઝરણા ક્યારેક સરી પડે છે,
એક અજાણ્યા પ્રેમના અહેસાસ માત્ર થી.

દુર રહી થયો અહેસાસ સાચા સ્નેહનો,
દિલ તોડ્યા જોડ્યાનાં અહેસાસ માત્ર થી.

ભલે નાં અમે એક વૃક્ષની ડાળ તોયે,
મીઠા ફળ આપીએ અહેસાસ માત્ર થી.

સંબંધો બંધાયા છે અમારા લાગણીથી,
મન મળ્યા અમારા અહેસાસ માત્ર થી.

એકબીજા વગર કદાચ ઝૂરી મરીએ,
વિના સહારે ચાલુ અહેસાસ માત્ર થી.

પ્રશાંત સોમાણી

લાગણીના પૂર …

આજે ઉભરાય છે લાગણીના પૂર સખી,
આજે ઉભરાય છે લાગણીના પૂર

નયનોમાં રમતી તારી આંખલડી,
કાનોમાં ગુંજતી તારી વાતલડી,
હૈયાની વાતો નો સુણાવી સુર,
આજે ઉભરાય છે લાગણીના પૂર

ભમતી વિચારોમાં તારી રાતલડી,
બોલતી રે સપનામાં તારી પાયલડી,
નીલા તે અંબરની લાગતી તું હૂર,
આજે ઉભરાય છે લાગણીના પૂર

મોહક અદાથી તારી ખીલતી ચાંદલડી,
કંચન કાયાથી મારી ઠારતી આંતરડી,
દુ:ખના તે સાગરને કરતી તું દૂર,
આજે ઉભરાય છે લાગણીનાં પૂર
…………..પ્રશાંત

એવું નથી કે તમારી યાદ આવતી નથી

એવું નથી કે તમારી યાદ આવતી નથી,
આવે છે ઘણી પણ કદી જણાવતી નથી.

મળવાનું મન તો ઘણું થાય છે મનોમન,
ને દિલમાં જરાય ધરપત ધરાતી નથી.

આપણી વચ્ચે છે બારગાવ નાં છેટા તોય,
તમારી દુરી હવે મને કેમ વરતાતી નથી?

મળ્યા હતા આપણે વર્ષો પહેલા સ્વપ્ને,
બોલો હવે કેમ મારી કમી જણાતી નથી?

ભલે તમે કહો હું નથી કરતી તમને યાદ,
દિલમાં હોય તેની જગ્યા બદલાતી નથી.

પ્રશાંત સોમાણી